આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્વારા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે મતદાન કેન્દ્ર પર પહોંચી નિયમો મુજબ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી.
મતદાન કર્યા બાદ કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જિલ્લાનાં તમામ મતદારોને સંદેશ આપતા જણાવ્યું કે, “મતદાન એ આપનો હક પણ છે અને ફરજ પણ છે. દરેક નાગરિકે અવશ્ય મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ.” તેમણે ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરતા મતદારોને આગળ આવી મતદાન કરવાની અપીલ કરી હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું હોવાનું દર્શાવતા તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રેરણા આપી.