અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જંગમાં મતદાન પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે મતદાન પહેલા જ પક્ષે અનેક બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. ધાકધમકી અને લોભ-લાલચના આક્ષેપો વચ્ચે શહેરના ચાર મહત્વના વોર્ડમાં કોંગ્રેસી ઉમેદવારોએ મેદાન છોડતા ભાજપ માટે જીતનો માર્ગ મોકળો બન્યો છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન ઠાકોરે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોરને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, વાસણા વોર્ડમાં OBC મહિલા ઉમેદવારનું ફોર્મ સમયસર ન ભરાવાને કારણે કોંગ્રેસે આ બેઠક પણ ગુમાવી છે. આમ, ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ ભાજપે અનેક બેઠકો પર જીતનો પંજો જમાવી દીધો છે.
માત્ર થલતેજ જ નહીં, પણ સરખેજ અને ચાંદલોડિયા વોર્ડમાં પણ કોંગ્રેસની હાલત કફોડી બની છે. સરખેજમાં વારિસ સૈયદ અને ભરતભાઈ ભરવાડ જેવા મજબૂત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ચાંદલોડિયામાં પણ પ્રદીપ પટેલે ચૂંટણી મેદાનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે આ મામલે રાજ્ય ચૂંટણી પંચમાં ધા નાખી છે અને આક્ષેપ કર્યો છે કે પોલીસ અને ભાજપના દબાણને કારણે ઉમેદવારોને ફોર્મ ખેંચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભ્રષ્ટાચાર અને લાલચના આક્ષેપો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર રામોલ-હાથીજણ બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીના મોદીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા તેમને ફોર્મ પરત ખેંચવા માટે રૂ. 25 થી 50 લાખની મોટી ઓફર આપવામાં આવી હતી. જોકે, મૌલિક પટેલે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે આ માત્ર રાજકીય સ્ટંટ છે અને હારના ડરથી આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે કે સત્તાધારી પક્ષ સરકારી મશીનરી અને પોલીસનો દુરુપયોગ કરી રહ્યો છે. પક્ષનો દાવો છે કે તેમના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જઈને ડરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 7 જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો મેદાનની બહાર થઈ ગયા છે, જે આગામી સમયમાં ભાજપ માટે મોટી લીડ સાબિત થઈ શકે છે.