કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારે રાજ્યમાં વહીવટી શિસ્ત અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. સરકારે બે મુખ્ય મુદ્દાઓ પર આકરું વલણ અપનાવ્યું છે: ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અવાજની મર્યાદાનું પાલન અને રાજ્યમાં ધમધમતા ગેરકાયદે ટોલ ગેટ તથા વસૂલાત કેન્દ્રો પર પ્રતિબંધ.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ધાર્મિક સ્થળો (મંદિર, મસ્જિદ કે અન્ય) કે કોઈ પણ જાહેર કાર્યક્રમોમાં લાઉડસ્પીકરના ઉપયોગ દરમિયાન હાઈકોર્ટના અવાજની મર્યાદાના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. દરેક વિસ્તારમાં પોલીસને અવાજની તીવ્રતા પર દેખરેખ રાખવા આદેશ અપાયો છે. જો નિર્ધારિત ડેસિબલ મર્યાદાથી વધુ અવાજ જોવા મળશે, તો જવાબદાર વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ કોઈ ચોક્કસ સમુદાય માટે નહીં, પરંતુ રાજ્યના દરેક નાગરિક અને ધાર્મિક સ્થળ માટે સમાન રીતે લાગુ પડશે.
લાઉડસ્પીકર બાદ હવે ગેરકાયદે ટોલ ઉઘરાવતા તત્વો સામે પણ સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં અનેક જગ્યાએ પરવાનગી વગર ધમધમતા ટોલ ગેટ, ડ્રોપ ગેટ અને બેરિકેડ્સને તાત્કાલિક બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ વાહનોની અવરજવરને સરળ બનાવવાનો અને સામાન્ય નાગરિકોને અનધિકૃત વસૂલાતથી મુક્ત કરવાનો છે.
આ તમામ આદેશોનું સખ્તાઈથી પાલન કરવા માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને જવાબદારી સોંપવામાં આવી છે. મેજિસ્ટ્રેટોને તેમના વિસ્તારમાં આવતા તમામ અનધિકૃત ટોલ અને ડ્રોપ ગેટોની ઓળખ કરી તેને તોડી પાડવા અને ફરીથી તે ઊભા ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. પશ્ચિમ બંગાળ સરકારના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા વધશે અને નાગરિકોને રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે.