Advertisement

બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ! આજે સાંજે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો

બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ! આજે સાંજે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની એક દિવસીય ગુજરાત મુલાકાત બાદ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પીએમ મોદીએ પોતાની આ મુલાકાત દરમિયાન રૂપિયા 19 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. રાજકીય વર્તુળોમાં અગાઉથી જ એવી ચર્ચા ચાલી રહી હતી કે વડાપ્રધાનની આ મુલાકાત પૂર્ણ થયા બાદ ગમે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ શકે છે. આ અટકળો વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે જ આ ચૂંટણીઓનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ શકે છે.


મળતી માહિતી મુજબ, આજે સાંજે 5 વાગ્યાની આસપાસ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્યના રાજકીય પક્ષો અને ઉમેદવારો લાંબા સમયથી આ જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આજે સાંજ સુધીમાં જો ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરવામાં આવશે, તો તેની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જશે અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ સત્તાવાર રીતે શરૂ થઈ જશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અગાઉથી જ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી હતી. આયોગ દ્વારા તાજેતરમાં જ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો માટેની આખરી મતદાર યાદી આજ રોજ એટલે કે 1લી એપ્રિલ, 2026ના રોજ પ્રસિદ્ધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ મતદાર યાદી પ્રસિદ્ધ થવાની સાથે જ હવે રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 95 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 261 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટેનો તખ્તો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, બસ હવે સૌ કોઈની નજર સાંજની જાહેરાત પર ટકેલી છે.

Advertisement