ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રમતગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત સહિત એશિયાના 29 દેશોના અંદાજે 400થી વધુ ખેલાડી, કોચ અને ટેકનિશિયન ભાગ લઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે રમતગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે ગુજરાત હવે માત્ર વિકાસ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પણ વિશ્વનું ધ્યાન આકર્ષી રહ્યું છે. રાજ્યમાં યોજાતી આવી વૈશ્વિક કક્ષાની સ્પર્ધાઓ સ્થાનિક તેમજ ભારતીય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની તૈયારીમાં મદદરૂપ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘ખેલો ઇન્ડિયા’ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. રાજ્યમાં જિલ્લા સ્તરે 39 સ્પોર્ટ્સ સ્કૂલ અને સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા યુવા પ્રતિભાઓને આધુનિક તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ ગાંધીનગરમાં વર્ષ 2027 સુધીમાં હાઈ પર્ફોર્મન્સ સેન્ટર પણ કાર્યરત થવાનું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની દિશામાં કામગીરી ચાલી રહી છે તેમજ ભારત વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પણ મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે. વર્ષ 2029માં યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ ગુજરાતની વૈશ્વિક રમતગમત યજમાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ હસન જલુદે ભારતના આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ભારતે 29 દેશોના ખેલાડીઓ માટે સફળ આયોજન કરીને ઉત્તમ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ખેલાડીઓને મેડલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ મોહમદ બિન યુસેફ અલમનાએ આયોજકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે એશિયાના દેશો એક પરિવાર સમાન છે અને રમતગમત દ્વારા આ એકતા વધુ મજબૂત બને છે.
કાર્યક્રમમાં ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ, સબિના યાદવ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આઈ.આર. વાળા સહિત અનેક મહાનુભાવો, હોદેદારો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.