ગાંધીનગર: ગુજરાતમાં ગુનેગારોને પાઠ ભણાવવા માટે પોલીસ દ્વારા કાઢવામાં આવતા 'વરઘોડા' કે 'સરઘસ' પર હવે કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ગંભીર ટકોર બાદ રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી (DGP) કે.એલ.એન. રાવે એક લેખિત આદેશ જાહેર કરીને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને કડક સૂચના આપી છે. આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, તપાસ કે રિકન્સ્ટ્રક્શનના નામે હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં.
ડીજીપી દ્વારા બહાર પાડવામાં આવેલી આ સૂચનામાં માત્ર વરઘોડા જ નહીં, પરંતુ આરોપીઓ સાથે કરવામાં આવતા ગેરવર્તણૂક સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ હવે જાહેરમાં કોઈ આરોપીને લાત કે લાકડી મારી શકશે નહીં, તેમજ તેમની પાસે જાહેરમાં માફી પણ મંગાવી શકશે નહીં. આરોપી સાથે અમાનવીય વ્યવહાર કરવો એ માનવાધિકારનું ઉલ્લંઘન ગણાશે. જો કોઈ પણ કિસ્સામાં આ નિયમોનો ભંગ થશે, તો જે તે જવાબદાર પોલીસ અધિકારીએ ઉચ્ચ કક્ષાએ તેનો જવાબ આપવો પડશે અને તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં ફેરવીને તેમની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો થતા હતા, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆતો થઈ હતી. હાઈકોર્ટે આરોપીઓની ગરિમા અને કાયદાકીય મર્યાદા જાળવવા માટે આપેલા નિર્દેશોને પગલે પોલીસ વિભાગે આ મોટો વહીવટી નિર્ણય લીધો છે. હવેથી પોલીસ તપાસમાં આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરશે પરંતુ કાયદાની મર્યાદા બહાર જઈને આરોપીઓ સાથે જાહેરમાં કોઈ જ પ્રકારનું અસભ્ય વર્તન કરી શકશે નહીં.