કરમસદ-આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને લઈને ભાજપે પોતાની તૈયારીઓ તેજ કરી છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી નજીક આવતાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વિદ્યાનગર સ્થિત કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મોવડીમંડળ દ્વારા નિમાયેલા નિરીક્ષકોની ટીમ વિદ્યાનગર આવી હતી. નિરીક્ષકો દ્વારા વોર્ડવાર કાર્યકરો અને ટિકિટ વાંછુકોને સાંભળી તેમની દાવેદારી અને મજબૂતાઈનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા લોકશાહી ઢબે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે.
મનપા તરીકેના નવા માળખાને કારણે કોર્પોરેટર બનવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દાવેદારો પોતાના બાયોડેટા સાથે હાજર રહ્યા હતા. હવે આ સેન્સ પ્રક્રિયાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે, જેના આધારે ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે.