Advertisement

પ્રધાનમંત્રીના ‘આર્થિક આત્મરક્ષા’ મંત્રને સાર્થક કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: હેલિકોપ્ટર છોડી કરી ટ્રેનની મુસાફરી

પ્રધાનમંત્રીના ‘આર્થિક આત્મરક્ષા’ મંત્રને સાર્થક કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: હેલિકોપ્ટર છોડી કરી ટ્રેનની મુસાફરી

અમદાવાદ: દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘આર્થિક આત્મરક્ષા’ના મંત્રને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. ઈંધણ અને સરકારી ખર્ચમાં બચત કરવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્યપાલશ્રીએ હવે સરકારી પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ત્યાગ કરી જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.


 આ નિર્ધારને અમલમાં મુકતા, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ કુરુક્ષેત્ર જવા માટે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી નવી દિલ્હી સુધી ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું હતું.


રાજ્યના પ્રથમ નાગરિકને એક સામાન્ય મુસાફરની જેમ રેલવે સ્ટેશન પર જોઈને ત્યાં ઉપસ્થિત અન્ય મુસાફરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ પણ કર્યું હતું.


 નોંધનીય છે કે, હૈદરાબાદમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી સાત અપીલોને માન આપીને રાજ્યપાલશ્રીએ જાહેર કર્યું હતું કે જ્યાં સુધી પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ મોંઘી હવાઈ મુસાફરી ટાળશે.


રાજ્યપાલશ્રીનો આ નિર્ણય વહીવટી તંત્ર અને નાગરિકો માટે 'રાષ્ટ્ર પ્રથમ' અને 'મિતવ્યયી' (કરકસરયુક્ત) જીવનશૈલીનો એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે. ઉચ્ચ પદ પર બિરાજમાન હોવા છતાં, દેશહિત માટે સાદગીભર્યું જીવન જીવવાનો રાજ્યપાલશ્રીનો આ અભિગમ સૌ માટે અનુસરણીય છે.

Advertisement