Advertisement

સેવા, સમર્પણ અને મધુર વાણી જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ : આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા

સેવા, સમર્પણ અને મધુર વાણી જ નર્સિંગ વ્યવસાયની સાચી ઓળખ : આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા


ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ નર્સિંગ વ્યવસાયને માત્ર નોકરી નહીં પરંતુ નિષ્કામ કર્મયોગ ગણાવી સેવા, સમર્પણ અને શ્રેષ્ઠ વાણી-વર્તનને નર્સિંગ ક્ષેત્રની સાચી ઓળખ ગણાવી હતી.


મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દર્દી હોસ્પિટલમાં માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ પીડાતો હોય છે, ત્યારે નર્સનો પ્રેમાળ વ્યવહાર દર્દીની અડધી બીમારી દૂર કરી દે છે. તેમણે નર્સિંગ સ્ટાફને માનવીય સંવેદનાથી સેવા આપવાની અપીલ કરી હતી. ફ્લોરેન્સ નાઈટીંગેલના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા આ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, ફ્લોરેન્સ નાઈટીંગેલે દર્શાવેલા સેવાના માર્ગે ચાલીને અનેક નર્સોએ સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


પ્રફુલભાઈ પાનસેરીયાએ ગુજરાતની આરોગ્ય સેવાઓની વિશેષતા અંગે જણાવ્યું હતું કે, વિકસિત દેશોની સરખામણીએ ગુજરાતમાં ૧૦૮ સેવા અને સરકારી હોસ્પિટલોમાં ઝડપથી સારવાર ઉપલબ્ધ છે. કોરોના કાળ દરમિયાન ગુજરાતના નર્સિંગ સ્ટાફે હજારો જીવ બચાવી ‘હજારો ફ્લોરેન્સ’ બની સેવા આપી હતી. પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, માંદગી દરમિયાન નર્સિંગ સ્ટાફના સહયોગથી જ તેઓ ઝડપથી સ્વસ્થ થયા હતા.


તેમણે નર્સિંગ ક્ષેત્રમાં કાર્ડિયાક, ઓન્કોલોજી અને આઈસીયુ જેવા નવા સ્પેશિયલાઈઝ્ડ કોર્સ તેમજ માઈક્રો મેનેજમેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે જ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં વધતા માનસિક તણાવ અને ડિપ્રેશન સામે માનવીય સંવેદના અને આંતરિક શાંતિ જ સાચો ઉપાય હોવાનું જણાવ્યું હતું.


સમારોહ દરમિયાન નર્સિંગ વીક અંતર્ગત યોજાયેલા રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ તમામ નર્સોએ માનવતાની સેવાના શપથ ગ્રહણ કર્યા હતા.


આ કાર્યક્રમમાં GMERS ના સીઈઓ ડો. મનીષ રામાવત, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મીતા પરીખ, આરએમઓ ડો. વિપુલા, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ધર્મેન્દ્ર ભોરણીયા, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ બિંદિયા તિવારી, નર્સિંગ એસોસિએશનના ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં નર્સિંગના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement