Advertisement

સોમનાથ અમૃત પર્વમાં ૧૧ મેના રોજ વડાપ્રધાન મોદી હાજર રહેશે, ભવ્ય રોડ શો અને એર-શૉનું આયોજન

સોમનાથ અમૃત પર્વમાં ૧૧ મેના રોજ વડાપ્રધાન મોદી હાજર રહેશે, ભવ્ય રોડ શો અને એર-શૉનું આયોજન

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર ‘સોમનાથ અમૃત પર્વ’ નિમિત્તે આગામી ૧૧ મેના રોજ વડાપ્રધાન  Narendra Modi સોમનાથ પધારવાના છે. આ કાર્યક્રમોને લઈને સોમનાથ સાગરદર્શન ખાતે કૃષિ અને પ્રવક્તા મંત્રી Jitu Vaghani દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિક્ષણ મંત્રી   ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી  અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ  રાજેશભાઈ ચુડાસમા તેમજ ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ  જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર આસ્થા અને અસ્મિતાનું પ્રતિક છે અને અનેક આક્રમણો છતાં તેની ભવ્યતા અડગ રહી છે.


તેમણે જણાવ્યું કે, સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ‘અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી જામનગરથી સોમનાથ આવી ત્રિવેણી હેલિપેડથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી લગભગ એક કિલોમીટરનો રોડ શો કરશે. રોડ શો દરમિયાન ૧૨ જ્યોતિર્લિંગના બેકડ્રોપ, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ અને પરંપરાગત નૃત્યોનું પ્રદર્શન કરવામાં આવશે.


 વધુમાં જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં ઋષિકુમારો, આહિર બહેનો અને બંગાળી પરિવારો પરંપરાગત વેશભૂષામાં વડાપ્રધાનનું સ્વાગત કરશે. વડાપ્રધાન દ્વારા કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત સૂર્યકિરણ વિમાનો દ્વારા એર-શૉ અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. સાથે જ સોમનાથ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન વડોદરા ખાતે સરદાર ધામ શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘સોમનાથ અમૃત પર્વ’ માત્ર ધાર્મિક નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે, જેમાં દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભૂતિ મળશે.

Advertisement