સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંવેદનશીલ અભિયાન ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત માત્ર ચાર મહિનામાં 257 બાળકો સહિત કુલ 696 ગુમ થયેલા લોકોનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. પરિવારથી વિખૂટા પડેલા બાળકો અને સ્વજનોને ફરી ઘરે પરત લાવી સુરત પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કામગીરી બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviએ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને મિસિંગ સેલની ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ અને સુરત પોલીસ કમિશનર Anupam Singh Gehlotના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને મિસિંગ સેલે જાન્યુઆરીથી એપ્રિલ-2026 દરમિયાન વિશેષ અભિયાન ચલાવી કુલ 696 લોકોની શોધખોળ કરી હતી. તેમાં 114 છોકરાઓ, 143 છોકરીઓ, 255 મહિલાઓ અને 184 પુરુષોનો સમાવેશ થાય છે.
આ અભિયાન હેઠળ મિસિંગ સેલ દ્વારા છેલ્લા 18 વર્ષમાં નોંધાયેલા મિસિંગ કેસોના રેકોર્ડ અને રજિસ્ટરોનું પુનઃતપાસ (રી-ઇન્વેસ્ટિગેશન) કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોર્સીસ તેમજ અન્ય રાજ્યોની સ્થાનિક પોલીસ અને સરપંચોની મદદથી સઘન શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘણા ગુમ થયેલા લોકો રાજ્ય બહાર કે જિલ્લા બહાર હોવાના પણ કિસ્સા સામે આવ્યા હતા.
માસવાર આંકડાઓ મુજબ જાન્યુઆરી-2026માં કુલ 152 લોકો, ફેબ્રુઆરીમાં 193 લોકો, માર્ચમાં 194 લોકો અને એપ્રિલમાં 157 લોકોને શોધીને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા. ખાસ કરીને એપ્રિલ મહિનામાં વર્ષ 2022થી 2025 દરમિયાન ગુમ થયેલા જૂના કેસોના પણ સફળ ઉકેલ લાવવામાં આવ્યા હતા.
સુરત પોલીસની આ કામગીરી એ સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ માનવતા અને સામાજિક જવાબદારી નિભાવવામાં પણ અગ્રેસર છે.