ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં રચાયેલી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સરકારે બુધવારે વિધાનસભામાં યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં વિજયી બનીને પોતાની બહુમતી સાબિત કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સર્જાયેલી અસમંજસની સ્થિતિ વચ્ચે વિજયે ગઠબંધનના જોરે સત્તાના આંકડા સુધી પહોંચીને રાજકીય માહિર હોવાનું સાબિત કર્યું છે.
૨૩૪ સભ્યો ધરાવતી વિધાનસભામાં TVK ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતી માટે જરૂરી ૧૧૮ના જાદુઈ આંકડાથી તે થોડે દૂર હતી. આ અવરોધને પાર કરવા માટે થલાપતિ વિજયે રણનીતિબદ્ધ રીતે કોંગ્રેસ, CPI, CPI(M), VCK અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) સાથે ગઠબંધન કર્યું હતું. બુધવારે યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં વિજય સરકારને ૧૪૪ ધારાસભ્યોનું પ્રચંડ સમર્થન પ્રાપ્ત થયું હતું, જેમાં AIADMKના એક જૂથનું સમર્થન પણ નિર્ણાયક સાબિત થયું હોવાનું મનાઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયામાં વિરોધમાં માત્ર ૨૨ વોટ પડ્યા હતા, જ્યારે ૫ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
આ રાજકીય પરિવર્તનથી DMK માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કાર્યવાહક રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નવી સરકારને બુધવાર સુધીમાં વિશ્વાસ મત સાબિત કરવા નિર્દેશ આપ્યો હતો, જે પડકારને વિજયે માત્ર સફળતાપૂર્વક પૂર્ણ જ નથી કર્યો, પરંતુ ગઠબંધનને વધુ મજબૂત બનાવીને પોતાના વિરોધીઓને ચોંકાવી દીધા છે. આ જીત સાથે જ હવે સી. જોસેફ વિજયનું વહીવટી તંત્ર પર પકડ મજબૂત બની છે અને આગામી પાંચ વર્ષ માટે તમિલનાડુની સત્તાની લગામ તેમના હાથમાં આવી ગઈ છે.