Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા જામનગર ઝળહળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા જામનગર ઝળહળ્યું

દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે દરમિયાન જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર જામનગર શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો છે. વડાપ્રધાનના આગમનને આવકારવા શહેરને ભવ્ય રોશની અને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર માર્ગ પર વિશેષ લાઈટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.


શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ ખાતે આકર્ષક રોશની અને સજાવટ કરવામાં આવી છે. સાથે સાથે વિવિધ મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી જનકલ્યાણકારી યોજનાઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મોનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે, જે નાગરિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


આ અવસરે તા. ૧૦મી મેની સાંજે અંદાજે ૭.૩૦ કલાકે લાલ બંગલા સર્કલ ખાતે ભવ્ય જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક  કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરાની વિશેષ રજૂઆત કરવામાં આવશે. ઉપરાંત સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યો તથા અન્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ ભવ્ય રજૂઆત કરવામાં આવશે.


વડાપ્રધાનની મુલાકાતને લઈને જામનગર શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને નાગરિકોમાં ભારે ઉત્સાહ વ્યાપ્યો છે.

Advertisement