વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપ દ્વારા શહેરના ચાર ઝોનમાં 1 અને 2 એપ્રિલના રોજ પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ટિકિટ વાંચ્છુ ઉમેદવારો માટે 'સેન્સ' પ્રક્રિયા (મેળાવડો) નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજ સવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે.
તાજેતરમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખે વડોદરા ખાતે મધ્ય ગુજરાતની એક બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે સામાન્ય કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે ટિકિટ ફાળવણીમાં કોઈની પણ ભલામણ સ્વીકારવામાં આવશે નહીં. જોકે, આ નિવેદન બાદ કાર્યકર્તાઓમાં એવી ચર્ચા પણ જોર પકડી રહી છે કે શું ખરેખર ભલામણ વિના ટિકિટ મળશે કે પછી અગાઉની જેમ મોટા નેતાઓની નજીકના 'હજુરિયા' કાર્યકર્તાઓને જ ટિકિટ પધરાવી દેવામાં આવશે? આ ચર્ચાઓ વચ્ચે પણ ટિકિટ માંગનારાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
ગત ચૂંટણીની જેમ આ વખતે પણ શહેરને ચાર ઝોનમાં વહેંચીને નિરીક્ષકો દ્વારા 1 અને 2 એપ્રિલના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી શહેરના ચાર અલગ-અલગ પાર્ટી પ્લોટમાં દાવેદારોના બાયોડેટા સ્વીકારવાનું આયોજન કરાયું છે. આજે સવારથી જ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, કેટલીક જગ્યાએ નિરીક્ષકો મોડા પહોંચતા સવારે 9:00 વાગ્યે શરૂ થનારી પ્રક્રિયા છેક 11:00 વાગ્યે શરૂ થઈ શકી હતી, જેના કારણે કાર્યકરોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી.
વધતી જતી ભીડને નિયંત્રિત કરવા માટે ઉમેદવારોને 'વહેલા તે પહેલા'ના ધોરણે ટોકન પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે એક-એક વોર્ડમાંથી અંદાજે 150 થી 200 જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. એટલું જ નહીં, કેટલાક કાર્યકર્તાઓ પોતાના બદલે પોતાની પત્નીઓને ટિકિટ અપાવવા માટે પણ બાયોડેટા લઈને પહોંચ્યા હોવાના કિસ્સાઓ જોવા મળ્યા હતા.
આજે સવારથી શરૂ થયેલા આ મેળાવડાના ટ્રેન્ડને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બે દિવસની પ્રક્રિયા દરમિયાન સમગ્ર શહેરમાંથી અંદાજે 3,000 જેટલા કાર્યકર્તાઓ ભાજપની ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવશે. હવે જોવું એ રહ્યું કે ભાજપ નેતૃત્વ આટલા બધા દાવેદારોમાંથી કોની પસંદગી કરે છે.