મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો છે, જેને પગલે સોશિયલ મીડિયા પર ચાહકો ફરી એકવાર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ 'વિરુષ્કા'ની લવ સ્ટોરીને વાગોળી રહ્યા છે. વર્ષ 2017માં ઇટાલીના ટસ્કનીમાં લગ્નના બંધનમાં બંધાયેલું આ કપલ આજે બે બાળકો, પુત્રી વામિકા અને પુત્ર અકાયના માતા-પિતા છે. લગ્નના આટલા વર્ષો પછી પણ તેમની વચ્ચેનું બોન્ડિંગ એટલું જ ફ્રેશ અને મજબૂત જોવા મળે છે, જે હંમેશા ફેન્સ માટે ચર્ચાનો વિષય બને છે.
એક જૂના ઇન્ટરવ્યુને યાદ કરતા અનુષ્કાએ ખુલાસો કર્યો હતો કે ડેટિંગના દિવસોમાં વિરાટની એક ખાસિયતે તેનું દિલ જીતી લીધું હતું. અનુષ્કાના જણાવ્યા અનુસાર, વિરાટની યાદશક્તિ (Memory) અત્યંત તેજ છે, જે તેને અંગત જીવનમાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ બાબતે વિરાટે પણ હસતા હસતા સ્વીકાર્યું હતું કે તે મહત્વની તારીખો અને પ્રસંગો યાદ રાખવામાં હવે વધુ પાવરધો થઈ ગયો છે, કારણ કે અનુષ્કા તેને અગાઉથી જ બધી વિગતો જણાવી દે છે. આ નાનકડી પણ મહત્વની વાત તેમની કેમેસ્ટ્રીને વધુ ગાઢ બનાવે છે.
લાખો ફોલોઅર્સ અને ગ્લેમર વર્લ્ડનો હિસ્સો હોવા છતાં, વિરાટ અને અનુષ્કા ભાગ્યે જ હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં જોવા મળે છે. આ પાછળનું કારણ જણાવતા અનુષ્કાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બંને સ્વભાવે બહુ સોશિયલ નથી. તેમને લાઈમલાઈટને બદલે ઘરે સમય વિતાવવો અને સાદગીભર્યું જીવન જીવવું વધુ પસંદ છે. હાલમાં આ કપલ લંડનમાં સ્થાયી થયું હોવાના અહેવાલો છે, જ્યાં તેઓ કેમેરાની નજરથી દૂર એક સામાન્ય પરિવારની જેમ પોતાના બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહ્યા છે. પોતાની પ્રાઈવસીને લઈને હંમેશા સતર્ક રહેતું આ કપલ માત્ર કામના અર્થે જ ભારત આવે છે.