ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને વરેલી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ ના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. થેલેસેમિયા એ એક આનુવંશિક રક્ત વિકાર છે, જેને વહેલી તપાસ અને યોગ્ય સાવચેતી દ્વારા તેને અટકાવી શકાય છે.
થેલેસેમિયાએ લોહીમાં થતી વંશાનુક્રમિક ખામી છે, જેના કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન અને લાલ રક્તકણો બની શકતા નથી. આ ખામી ગંભીર એનિમિયા તરફ દોરી જાય છે.
રાજ્યમાં સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પેઢી સ્વસ્થ હોય તે અત્યંત આવશ્યક છે. જેના પરિણામે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા મહિલાઓ અને યુવાનો માટે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી ‘ડેફેરાસિરોક્સ’ (Deferasirox) ટેબ્લેટ અને ઇન્જેક્શન ડિફેરોક્સામિન (Inj. Desferoxamine)ની પૂરતી વ્યવસ્થા રાજ્યમાં કરવામાં આવી છે. 'થેલેસેમિયા મેજર' પીડિત બાળકોને નિયમિત લોહી ચડાવવા માટે ડે-કેર સેન્ટર્સ અને બ્લડ બેંકોનું નેટવર્ક રાજ્યમાં વધુ સુદ્રઢ કરાયું છે, જેથી દર્દીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ સારવાર મળી રહે.
આ ઉપરાંત હોસ્પિટલોમાં પીડિયાટ્રિક (બાળરોગ) અને મેડિસિન વિભાગના સંકલન દ્વારા દર્દીઓની ખાસ કાળજી લેવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યની મુખ્ય હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયા દર્દીઓમાં પી.ડી.યુ. હોસ્પિટલ - રાજકોટમાં ૪૮૪ દર્દીઓ, જી.જી. હોસ્પિટલ - જામનગરમાં ૩૭૦ દર્દીઓ, સર ટી. હોસ્પિટલ - ભાવનગરમાં 166 દર્દીઓ, સિવિલ હોસ્પિટલ - અમદાવાદમાં ૧૯૫ દર્દીઓ, નવી સિવિલ હોસ્પિટલ - સુરતમાં 98 દર્દીઓ તેમજ એસ.એસ.જી. હોસ્પિટલ - વડોદરામાં 39 દર્દીઓ ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં હાલ નોંધપાત્ર સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થેલેસેમિયાના બે પ્રકાર છે. જેમાં થેલેસેમિયા માઇનર (કેરિયર): વ્યક્તિ સ્વસ્થ રહે છે અને કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી કે સારવારની જરૂર પડતી નથી. ૨.થેલેસેમિયા મેજર: આ એક ગંભીર સ્થિતિ છે, જેમાં બાળકને જીવનભર નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. થેલેસેમિયા મેજર બાળકના જન્મને અટકાવવા માટે લગ્ન પહેલાં અથવા ગર્ભાવસ્થાની શરૂઆતમાં સી.બી.સી. (CBC) ટેસ્ટ દ્વારા સ્ક્રીનિંગ કરાવવું અનિવાર્ય છે.
આરોગ્ય વિભાગ દ્વારા કિશોરો, યુવાનો અને સગર્ભા સ્ત્રીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આશા વર્કર્સ અને આરોગ્યકર્મીઓ દ્વારા શેરી નાટકો, પોસ્ટર્સ અને સેમિનાર દ્વારા આ ગંભીર બીમારી અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યના તમામ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાસ કરીને યુવાનોને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, તેઓ ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે.