આણંદ: ચાલુ વર્ષે શિયાળો પૂરતો જામ્યો ન હોવા અને મિશ્ર વાતાવરણ વધુ રહેતા આણંદ જિલ્લામાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન દર સપ્તાહે આશરે 450 કેસ નોંધાતા હતા, જ્યારે ચાલુ વર્ષે તે આંકડો વધીને 1200થી વધુ કેસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.
વાયરલ ઇન્ફેકશનના વધતા કેસોને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં આવેલી 90 જેટલી મોટી ખાનગી હોસ્પિટલનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દરેક હોસ્પિટલમાં તાવ, શરદી, ખાંસી સહિતના વાયરલ ઇન્ફેકશનના કેસ સરેરાશ ત્રણથી વધુ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને બાળકોની હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શરદી, ખાંસી અને તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દૈનિક 200થી વધુ વાયરલ ઇન્ફેકશનના કેસ સામે આવી રહ્યા છે. માત્ર ચાલુ સપ્તાહમાં જ 90 જેટલી ખાનગી હોસ્પિટલમાંથી 210 વાયરલ કેસ નોંધાયા છે, જ્યારે સરકારી હોસ્પિટલ, પીએચસી અને સીએચસીમાં પણ 100થી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
શિયાળાના 76 દિવસમાંથી 42 દિવસ બેવડીઋતુનો માહોલ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 10 વર્ષમાં પહેલી વખત શિયાળો પૂરતો જામ્યો નથી. સળંગ બે સપ્તાહ સુધી ઠંડીનું જોર જોવા મળ્યું નથી. શિયાળાના કુલ 76 દિવસમાંથી 42 દિવસ બેવડીઋતુનો માહોલ રહ્યો છે. જ્યારે કડાકા ઠંડીનો અનુભવ માત્ર 17 દિવસ થયો હતો. તેમાંથી પણ માત્ર 5 દિવસ તાપમાન 12 ડિગ્રીથી નીચે રહ્યું હતું. બાકીના 19 દિવસો દરમિયાન સામાન્ય વાતાવરણ નોંધાયું હતું.
મોટાભાગે રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન મિશ્ર વાતાવરણ રહેતા તેની સીધી અસર માનવ સ્વાસ્થ્ય પર પડી હોવાનું આરોગ્ય નિષ્ણાતો જણાવી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને હવામાન મુજબ સાવચેતી રાખવા, પૂરતું પાણી પીવા અને તાવ કે શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.