Advertisement

અમદાવાદ બેઠકમાં ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર? ટેસ્ટમાં એક જ મેચમાં લાલ અને ગુલાબી બોલનો પ્રસ્તાવ

અમદાવાદ બેઠકમાં ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર? ટેસ્ટમાં એક જ મેચમાં લાલ અને ગુલાબી બોલનો પ્રસ્તાવ

અમદાવાદ, 23 : ક્રિકેટ જગતમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. International Cricket Council દ્વારા ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં નવા નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. આ તમામ પ્રસ્તાવો પર 30 મે 2026ના રોજ અમદાવાદમાં યોજાનારી ICC બોર્ડ બેઠકમાં ચર્ચા અને અંતિમ મંજૂરી આપવામાં આવી શકે છે. જો મંજૂરી મળશે તો નવા નિયમો 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમલમાં આવશે.


સૌથી મોટો અને ચર્ચાસ્પદ પ્રસ્તાવ ટેસ્ટ ક્રિકેટને લઈને સામે આવ્યો છે. હાલ ટેસ્ટ મેચમાં માત્ર લાલ બોલનો ઉપયોગ થાય છે, પરંતુ નવા નિયમ મુજબ જો મેચ દરમિયાન રોશની ઓછી હોય અથવા ફ્લડલાઇટ્સમાં રમત મુશ્કેલ બને તો બંને ટીમોની સહમતિથી લાલ બોલની જગ્યાએ ગુલાબી બોલનો ઉપયોગ કરી શકાશે. એટલે કે ઇતિહાસમાં પહેલીવાર એક જ ટેસ્ટ મેચમાં બે અલગ-અલગ રંગના બોલ જોવા મળી શકે છે.


વનડે ક્રિકેટમાં પણ મહત્વનો ફેરફાર થવાની શક્યતા છે. અત્યાર સુધી ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન માત્ર સબસ્ટિટ્યૂટ ખેલાડીઓને મેદાન પર જવાની મંજૂરી હતી, પરંતુ હવે હેડ કોચને સીધા મેદાન પર જઈ ખેલાડીઓ સાથે વ્યૂહરચના બનાવવા છૂટ આપવામાં આવી શકે છે. આ નિયમથી મેચ દરમિયાન ટીમોની રણનીતિમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.


ટી20 ક્રિકેટને વધુ ઝડપી અને રોમાંચક બનાવવા માટે ICC ઇનિંગ્સ વચ્ચેનો બ્રેક ટાઈમ ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. હાલમાં બંને ઇનિંગ્સ વચ્ચે 20 મિનિટનો વિરામ આપવામાં આવે છે, પરંતુ નવા પ્રસ્તાવ મુજબ આ સમય ઘટાડીને માત્ર 15 મિનિટ કરવામાં આવશે.


આ ઉપરાંત, શંકાસ્પદ બોલિંગ એક્શન સામે પણ ICC વધુ કડક બનવા જઈ રહ્યું છે. નવા નિયમ હેઠળ ઓન-ફીલ્ડ અમ્પાયરોને Hawk-Eye ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાઈવ મેચ દરમિયાન જ બોલરની એક્શન ચકાસવાની સત્તા આપવામાં આવી શકે છે. જો કોઈ બોલરનું એક્શન ગેરકાયદેસર જણાશે તો મેદાન પર જ કાર્યવાહી શક્ય બનશે.


આ તમામ પ્રસ્તાવો પર ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં બે રંગના બોલનો ઉપયોગ અને કોચની મેદાન પર એન્ટ્રી જેવા નિયમો રમતની રીત અને રોમાંચ બંનેમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Advertisement