ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં પ્રિ-મોનસૂન ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, સુરક્ષા દળો તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં આગામી ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચોમાસા દરમિયાન ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના લક્ષ્ય સાથે સંપૂર્ણ સજ્જ છે. તેમણે તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા તેમજ ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિમાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરી તૈયારી રાખવાની સૂચના આપી હતી. સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તાત્કાલિક શરૂ કરવા પણ જણાવ્યું હતું.
બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાઓને ધ્યાનમાં રાખીને રોડ-રસ્તા, ગટર અને અન્ય બાકી વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારે વાહનવ્યવહાર ધરાવતા રસ્તાઓ અને પુલોના સમારકામ માટે માર્ગ અને મકાન વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત વન વિભાગને ચોમાસા પહેલાં વૃક્ષોની ટ્રિમિંગ કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું જેથી ઝાડ પડવાની ઘટનાઓ અને ટ્રાફિક અવરોધ ટાળી શકાય.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી માટે NDRFની 14 અને SDRFની 22 ટીમો તૈયાર રાખવામાં આવશે. આ ટીમોને બોટ, લાઇફ જેકેટ અને અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ સહિતના જરૂરી સાધનોથી સજ્જ કરવામાં આવશે. સ્ટેટ મોન્સૂન ડિઝાસ્ટર પ્લાન મુજબ તમામ વિભાગોએ જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.
બેઠક દરમિયાન હવામાન વિભાગ, આરોગ્ય વિભાગ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, પુરવઠા વિભાગ સહિત વિવિધ એજન્સીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. ઉપરાંત લશ્કરી દળો, BSF, કોસ્ટ ગાર્ડ, CRPF, CWC, RAF, રેલવે, BSNL, ઇસરો, દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન જાનમાલનું નુકસાન ટાળવા માટે તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.