ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો સફળ પ્રયોગ, રણમાં હરિયાળી ખીલી

ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નો સફળ પ્રયોગ, રણમાં હરિયાળી ખીલી


ધોલેરા, 4 જૂન: ગુજરાતના મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ધોલેરામાં ખારાશવાળી અને બિનઉપજાઉ જમીન પર વન વિભાગે ‘ડ્રમ પ્લાન્ટેશન’ નામની નવીન ટેકનિક દ્વારા હરિયાળી સર્જવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ધોલેરા એક્ટિવેશન એરિયાના બ્લોક નંબર-29માં અમલમાં મૂકાયેલા આ પ્રયોગ અંતર્ગત 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી મોટાભાગના વૃક્ષો આજે સારી રીતે વિકસ્યા છે અને કેટલાક તો 12 ફૂટ જેટલી ઊંચાઈ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાના વિઝનને સાકાર કરવા આ પહેલ હાથ ધરવામાં આવી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) દ્વારા આ પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ અને મીઠા પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.


વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ખારાશવાળી જમીન અને લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતી પરિસ્થિતિમાં પરંપરાગત રીતે વૃક્ષો ઉછેરવા મુશ્કેલ હોવાથી રોપાઓને પ્લાસ્ટિકના ડ્રમમાં ખાસ પોષક તત્ત્વોથી ભરેલી માટી, વર્મી કમ્પોસ્ટ, કોકોપીટ અને સુકા ઘાસ સાથે વાવવામાં આવ્યા હતા. ડ્રમમાં હવાની અવરજવર માટે છિદ્રો બનાવવામાં આવ્યા હતા અને તમામ છોડ માટે ડ્રિપ ઇરિગેશનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી.


આ પ્રયોગ હેઠળ પીલુ, કેસૂડો, શીમળો, પારસ પીપળો, વડ, પીપળો, દેશી બાવળ, કરંજ, અર્જુન, લીમડો, ગુંદી અને આમલી સહિત 15થી વધુ પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષોના વિકાસ સાથે વિસ્તારમાં કુદરતી ઇકોસિસ્ટમ પણ વિકસવા લાગી છે. પતંગિયા, પરાગસંચય કરનારા જીવજંતુઓ અને વિવિધ પક્ષીઓની હાજરી જોવા મળી રહી છે, જ્યારે અગાઉ જ્યાં ઘાસ પણ ઉગતું નહોતું ત્યાં હવે કુદરતી વનસ્પતિ પણ ઉગવા લાગી છે.


પ્રોજેક્ટની સફળતાથી પ્રોત્સાહિત થઈ DSIRDA દ્વારા વધુ 20 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આગામી તબક્કામાં આ જ ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી આશરે 50 હજારથી વધુ નવા રોપાઓ વાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પહેલ ધોલેરાના ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જાળવવાના રાજ્ય સરકારના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.