Advertisement

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળઝાળ અકસ્માત: એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા

રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે હૃદયવિદારક અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના પાંચ સભ્યો ચાલતી કારમાં આગ લાગવાના કારણે જીવતા ભૂંજાઈ ગયા હતા, જ્યારે કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.


આ અકસ્માત મધ્યરાત્રિના સમયે મોજપુર નજીક પિલર નંબર 115/300 પાસે સર્જાયો હતો. પોલીસ અધિકારી ડીએસપી કૈલાશ જિંદાલના જણાવ્યા મુજબ, કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ લાગી અને થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ.


આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના એક જ પરિવારના ત્રણ મહિલાઓ, એક પુરુષ અને એક બાળકી સહિત કુલ પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. કાર ચાલક વિનોદ કુમાર મેહરે સમયસર કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ તે આશરે 80 ટકા સુધી દાઝી ગયો છે.


ઘટનાની જાણ થતા જ NHAIની પેટ્રોલિંગ ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી ચૂકી હતી. ગંભીર રીતે દાઝેલા ડ્રાઈવરને પહેલા પિનાન CHC અને બાદમાં અલવર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એસપી સુધીર ચૌધરીએ સ્થળની મુલાકાત લઈને મૃતકોની ઓળખ અને અકસ્માતના કારણોની તપાસ ઝડપી કરવાની સૂચના આપી છે.

Advertisement