Advertisement

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર: 26 એપ્રિલે મતદાન, 28એ પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર: 26 એપ્રિલે મતદાન, 28એ પરિણામ

ગુજરાતમાં લાંબા સમયથી રાહ જોવાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંગે રાજ્ય ચૂંટણી આયોગે અંતે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. બુધવારે (1 એપ્રિલ, 2026) ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણાએ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ રાજ્યની 15 મહાનગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય), 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓ માટે મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યભરમાં આચાર સંહિતા પણ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.


આ ચૂંટણીમાં રાજ્યના કુલ 4 કરોડ 18 લાખ 91 હજાર 700 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા શિડ્યૂલ મુજબ 6 એપ્રિલ 2026ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ રહેશે, જ્યારે ફોર્મની ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે. ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. ત્યારબાદ 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.


આ વખતે કુલ 10,039 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો, 84 નગરપાલિકાની 2632 બેઠકો, 260 તાલુકા પંચાયતની 5271 બેઠકો અને 34 જિલ્લા પંચાયતની 1092 બેઠકોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ વખતે 17 નવી તાલુકા પંચાયતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ચૂંટણી વધુ મહત્વપૂર્ણ બની છે.


ગુજરાત સરકારે તાજેતરમાં કેટલીક નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, તેથી આ શહેરોમાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે ચૂંટણી યોજાશે. આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી જેવા શહેરોમાં આ પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણી હોવાથી રાજકીય રીતે તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને સમગ્ર રાજ્યની નજર આ શહેરો પર ટકેલી છે.


આ વખતની ચૂંટણીની એક મહત્વની વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનની ભલામણોના આધારે અમલમાં આવેલી નવી જોગવાઈઓ મુજબ જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવામાં આવી છે. આ નવા સામાજિક અને રાજકીય સમીકરણો રાજકીય પક્ષોને નવી રણનીતિ ઘડવા માટે પ્રેરિત કરશે.


ઉલ્લેખનીય છે કે રાજ્યની ઘણી જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો, જેના કારણે હાલ આ સંસ્થાઓમાં વહીવટદારો દ્વારા શાસન ચાલી રહ્યું હતું. હવે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ લોકશાહી પ્રક્રિયા ફરી શરૂ થશે અને જનતા દ્વારા નવા જનપ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવશે.

Advertisement