ભારતીય રેલવેના રનિંગ સ્ટાફ માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. રેલવે બોર્ડે વંદે ભારત, રાજધાની, દુરંતો, તેજસ અને પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત કુલ 155 ટ્રેનોને સત્તાવાર રીતે હાઈસ્પીડ ટ્રેનની શ્રેણીમાં સામેલ કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ અને ટ્રેન મેનેજર જેવા રનિંગ સ્ટાફને ખાસ હાઈસ્પીડ ભથ્થાનો લાભ મળશે, જેના કારણે તેમની માસિક સેલરીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
રેલવે બોર્ડના નિર્ણય મુજબ અત્યાર સુધી અનેક ટ્રેનો 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવા છતાં તેમને હાઈસ્પીડ શ્રેણીમાં ગણવામાં આવતી નહોતી. જેના કારણે સંબંધિત સ્ટાફને વિશેષ ભથ્થું મળતું નહોતું. હવે આ ટ્રેનોને હાઈસ્પીડ કેટેગરીમાં સામેલ કરવામાં આવતા કર્મચારીઓને દર મહિને અંદાજે 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીનો વધારાનો લાભ મળશે.
આ યાદીમાં શતાબ્દી, જનશતાબ્દી, રાજધાની, ગતિમાન, દુરંતો, હમસફર અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે સૌથી વધુ વંદે ભારત ટ્રેનોને પણ હાઈસ્પીડ કેટેગરીમાં સ્થાન અપાયું છે. તેમાં અમદાવાદ-ઓખા, દિલ્હી-અમૃતસર, વારાણસી-નવી દિલ્હી, હાવડા-પુરી, ઈંદોર-નવી દિલ્હી, અજમેર-દિલ્લી કેન્ટ સહિત અનેક મહત્વપૂર્ણ રૂટની ટ્રેનોનો સમાવેશ થાય છે.
દુરંતો અને તેજસ ટ્રેનોના ડ્રાઈવર અને ગાર્ડને પણ હવે વધારાના ભથ્થાનો લાભ મળશે. રેલવે બોર્ડે લોકો પાયલટ માટે પ્રતિ 100 કિલોમીટરના માઈલેજ દરને 485 રૂપિયાથી વધારીને 606 રૂપિયા કર્યો છે. જ્યારે ગાર્ડ માટે આ દર 439 રૂપિયાથી વધારીને 549 રૂપિયા સુધી કરવામાં આવ્યો છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન કરવું અત્યંત જવાબદારીભર્યું અને પડકારજનક કામ છે. કર્મચારીઓની કામગીરી અને કાર્યક્ષમતાને માન્યતા આપવા માટે જ રેલવે બોર્ડ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.