Advertisement

ઈંધણ અને સરકારી ખર્ચ બચાવવા રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના મહત્વના આદેશ

ઈંધણ અને સરકારી ખર્ચ બચાવવા રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના મહત્વના આદેશ


ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા રાજ્યના તમામ શહેર અને જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસ વિભાગની કામગીરી વધુ અસરકારક બનાવવા સાથે ઈંધણ અને સરકારી સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.


રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે હવે એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા મહાનુભાવોને જ આપવામાં આવશે. સામાન્ય સંજોગોમાં ગાઈડ કાર અથવા પાયલોટીંગ ટાળવા તેમજ જરૂરી સ્થિતિમાં શહેર વિસ્તારમાં મોટરબાઈક અને હાઈવે પર ફોર-વ્હીલરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.


કોર્ટ સંબંધિત કામગીરીમાં પણ ટેકનોલોજીના વધુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારી વકીલ સાથેની ચર્ચા અને બ્રિફિંગ માટે અધિકારીઓએ રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક અથવા અન્ય કોમ્યુનિકેશન માધ્યમનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ હેઠળ વીડિયો કોન્ફરન્સ દ્વારા સાક્ષી અને જુબાનીની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે, જેથી સમય અને ખર્ચ બંનેમાં બચત થઈ શકે.


વહીવટી કામગીરીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે વિભાગની તમામ મીટિંગો અને ક્રાઈમ કોન્ફરન્સ ફરજિયાત રીતે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાશે. તપાસ અને સુપરવિઝન સંબંધિત ચર્ચાઓ માટે પણ અધિકારીઓને ટેલિફોનિક માધ્યમ અપનાવવા સૂચના આપવામાં આવી છે.


બંદોબસ્ત દરમિયાન ફોર્સની ફાળવણી માટે નજીકના પોલીસ સ્ટેશનોમાંથી જ સ્ટાફ મોકલવા તેમજ એક જ વાહનમાં સંયુક્ત મુસાફરી કરવા અથવા જરૂર જણાયે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સૂચનાઓ પણ બેઠકમાં આપવામાં આવી હતી. આ નિર્ણયોથી ઈંધણ બચત સાથે સરકારી ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement