આણંદ: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓના સુદ્રઢીકરણ અર્થે રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
પેટલાદ તાલુકાના સ્થાનિક અને આસપાસના વિસ્તારના નાગરિકોને સરળતાથી શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ બને તે હેતુથી પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે રૂપિયા ૬૦ કરોડની કિંમતના વિવિધ આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ રૂપિયા ૬૦ કરોડના આરોગ્ય પ્રકલ્પોમાં પેટલાદ સ્થિત આવેલ એસ.એસ.હોસ્પિટલ ખાતે અંદાજીત રૂપિયા ૪.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૪૨ બેડના આધુનિક પીડિયાટ્રિક આઈ.સી.યુ. (ICU) અને આઈ.પી.એચ.એલ. (IPHL) નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, નાગરિકોને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ અને આધુનિક આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી અંદાજીત રૂપિયા ૫૫ કરોડના ખર્ચે સાકાર થનારી ૧૦૦ બેડની અધતન હોસ્પિટલનું ભૂમિપૂજન પણ મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ અને આણંદ જિલ્લાના અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, પેટલાદ એસ.એસ. હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. કાપડીયા, હોસ્પિટલના અન્ય તબીબો, નર્સિંગ અને વહીવટી સ્ટાફ મિત્રો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.