સમાજવાદી પાર્ટીના સ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના પરિવારમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવનું આજે બુધવારે, ૧૩મી મેના રોજ ૩૮ વર્ષની નાની વયે અવસાન થયું છે. સવારે તબિયત લથડતા તેમને તાત્કાલિક લખનઉની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થઈ ચૂક્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
પ્રતીક યાદવના નિધનથી સમગ્ર પરિવાર સ્તબ્ધ છે. પ્રતીક યાદવ દિવંગત મુલાયમ સિંહ યાદવ અને સાધના ગુપ્તાના પુત્ર હતા. તેઓ ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. ફિટનેસ અને જીમના ભારે શોખીન રહેલા પ્રતીક યાદવના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી હતી. કેટલાક અહેવાલો મુજબ, જીમમાં કસરત દરમિયાન લેવામાં આવતી દવાઓની આડઅસર કે તબિયતની ગંભીરતાને કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ દુખદ ઘટના અંગે અખિલેશ યાદવે ભાવુક થઈને જણાવ્યું હતું કે, પ્રતીક તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હતો, પરંતુ બિઝનેસનું માનસિક દબાણ અને વ્યસ્તતા કદાચ તેના સ્વાસ્થ્ય પર અસર કરી ગયા હશે. અખિલેશે વધુમાં કહ્યું કે, "હું બે મહિના પહેલા જ તેને મળ્યો હતો અને તેને પોતાના કામ પર ધ્યાન આપવા સમજાવ્યો હતો. તે ખૂબ જ સારો વ્યક્તિ હતો." સમાજવાદી પાર્ટીએ પણ ટ્વિટ કરીને પ્રતીક યાદવને વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાજકારણથી હંમેશા દૂર રહીને પોતાનું અલગ અસ્તિત્વ બનાવનાર પ્રતીક યાદવ વ્યવસાયે રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્રે સક્રિય હતા. લંડનની યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી MBAનો અભ્યાસ કરનાર પ્રતીકે રાજકારણને બદલે પોતાના બિઝનેસને જ પ્રાથમિકતા આપી હતી. તેમના અકાળે અવસાનથી યાદવ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તેમનો મૃતદેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને પરિવારના સભ્યો ત્યાં એકત્ર થઈ રહ્યા છે.