Advertisement

રેવંત રેડ્ડીએ માગ્યો ‘ગુજરાત મોડલ’ જેવો સહયોગ, PM મોદીએ આપ્યો રમૂજી જવાબ

રેવંત રેડ્ડીએ માગ્યો ‘ગુજરાત મોડલ’ જેવો સહયોગ, PM મોદીએ આપ્યો રમૂજી જવાબ

હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વિકાસ અને અર્થતંત્રને લઈને રસપ્રદ સંવાદ જોવા મળ્યો હતો. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યને આગામી દાયકામાં દેશની જીડીપીમાં 10 ટકા ફાળો આપતું રાજ્ય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન સમક્ષ કહ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે તેલંગાણા કેન્દ્ર સરકાર સાથે મળીને આગળ વધવા માંગે છે અને આ માટે કેન્દ્રના સહયોગ તથા મંજૂરીઓ જરૂરી છે.


રેવંત રેડ્ડીએ પોતાના સંબોધનમાં ‘ગુજરાત મોડલ’નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જ્યારે ડૉ. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસનું એક અનોખું મોડલ ઉભું કર્યું હતું. તે જ રીતે હવે તેલંગાણાના લોકો પણ આગામી 10 વર્ષમાં ‘તેલંગાણા મોડલ’ જોવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે, દેશની માત્ર 3 ટકા વસ્તી ધરાવતું તેલંગાણા 2034 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા ધરાવે છે અને ભારતના 30 ટ્રિલિયન ડોલરના વિઝનમાં 10 ટકા યોગદાન આપી શકે છે.


મુખ્યમંત્રીના આ નિવેદન પર વડાપ્રધાન મોદીએ પોતાના આગવા અંદાજમાં હળવો પરંતુ રાજકીય સંદેશ આપતો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું કે, “હું રેવંત રેડ્ડીને કહેવા માંગું છું કે, ભારત સરકારે ગુજરાતને મારા 10 વર્ષના શાસન દરમિયાન જે આપ્યું હતું તે બધું તમને આપવા હું તૈયાર છું. પરંતુ જો એવું કરું તો અત્યારે તમને જે મળી રહ્યું છે તે અડધું થઈ જશે.” વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચી નહીં શકો, તેથી વધુ સારું એ છે કે તમે મારી સાથે જ રહો.”


વડાપ્રધાનના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મોદીના નિવેદનનો સીધો ઈશારો એ તરફ હતો કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવાથી ગુજરાતને આજે વિપક્ષી રાજ્યોને મળતા પ્રમાણમાં સહયોગ મળતો નહોતો. હાલ કેન્દ્ર સરકાર તેલંગાણાને મોટા પ્રોજેક્ટ્સ અને આર્થિક સહાય પૂરી પાડી રહી છે, જેના કારણે રાજ્યના વિકાસને વધુ ગતિ મળી રહી હોવાનું તેમણે સંકેત આપ્યો હતો.

Advertisement