Advertisement

સાળંગપુરમાં આ વર્ષે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ: ભક્તો માટે AI આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ભવ્ય આતશબાજીનું આયોજન

સાળંગપુરમાં આ વર્ષે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ: ભક્તો માટે AI આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ભવ્ય આતશબાજીનું આયોજન

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આ વર્ષનો હનુમાન જન્મોત્સવ અત્યંત ભવ્ય અને ઐતિહાસિક બની રહેવાનો છે. દાદાના ભક્તો માટે આ વખતે કંઇક નવું અને અદભુત આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના સંતો અને અંદાજે 800 થી 1000 જેટલા લોકોની ટીમ છેલ્લા એક મહિનાથી રાત-દિવસ જોયા વિના આ મહોત્સવ માટે તડામાર તૈયારીઓ કરી રહી છે.


મુખ્ય આકર્ષણ: AI આધારિત 'શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો'

આ વખતના જન્મોત્સવનું સૌથી મોટું આકર્ષણ 'AI આધારિત શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો' રહેશે. સામાન્ય રીતે આવા લાઇટ શો કોઈ સ્ક્રીન કે ઇમારત પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં 150 લોકોની મહેનતથી તૈયાર થયેલો આ 10 મિનિટનો વિશેષ શો સીધો ભક્તો પર ફોકસ કરશે.


કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર, 'કિંગ ઓફ સાળંગપુર'ની વિશાળ મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ ઉભા કરીને 201 જેટલી શાર્પી લાઇટો લગાવવામાં આવી છે, જેની સંપૂર્ણ ડિઝાઇન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી તૈયાર કરાઈ છે.


ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવો માહોલ

ભક્તોને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોન્સર્ટ જેવી અનુભૂતિ કરાવવા માટે 28 મીડ સ્પીકર્સ સાથે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જેમાં વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિકની સાથે હરિપ્રકાશ સ્વામીના અવાજ અને દાદાના મહિમાનું મિશ્રણ કરીને એક અદભુત ટ્રેડિશનલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.


ગંગા આરતીની તર્જ પર 'સાળંગપુર આરતી' અને ભવ્ય ફાયર શો

લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત, 100 જેટલા કલાકારો દ્વારા 14 થી 15 મિનિટ સુધી હરિદ્વારની ગંગા આરતીની જેમ જ ભવ્ય 'સાળંગપુર આરતી' કરવામાં આવશે. આરતી પૂર્ણ થયા બાદ 8 મિનિટનો ભવ્ય ફાયર શો (આતશબાજી) યોજાશે.


આ ફાયર શો માટે 2000થી વધુ ઇમ્પોર્ટેડ ફટાકડાઓ ખાસ મંગાવવામાં આવ્યા છે. સૌથી વિશેષ બાબત એ છે કે ક્રેનની મદદથી દાદાની મૂર્તિની બરાબર પાછળથી ફાયર શો કરાશે, જેનાથી એવો નજારો સર્જાશે જાણે મૂર્તિની પાછળથી કોઈ દિવ્ય ચક્ર કે કિરણો નીકળી રહ્યા હોય. આવો અદભુત નજારો અગાઉ માત્ર ચીન કે જાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો.


સવારે 1 લાખ બલૂન સાથે જન્મોત્સવની ઉજવણી

બીજા દિવસે સવારે હનુમાન જન્મોત્સવના મુખ્ય સમયે વિશેષ કેક કટિંગ કરવામાં આવશે. આ પાવન અવસરે 1 લાખ જેટલા બલૂન આકાશમાંથી ડ્રોપ કરીને અને બ્લોઅરથી કાગળ ઉડાડીને દાદાના જન્મોત્સવની ભવ્ય અને યાદગાર ઉજવણી કરવામાં આવશે. આવો ઐતિહાસિક માહોલ નિહાળવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી સંભાવના છે.

Advertisement