તમિલનાડુના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ટીવીકે (TVK)ના ચીફ અને લોકપ્રિય અભિનેતા સી. જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તાત્કાલિક એક્શન મોડમાં આવી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા હતા. શપથવિધિ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ વિજયે લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી અનેક મહત્વપૂર્ણ ફાઇલો પર હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજય સરકારે રાજ્યના નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે 200 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધી રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તે ઉપરાંત રાજ્યમાં વધી રહેલા નશીલા પદાર્થોના દૂષણ સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. ડ્રગ્સ મુક્ત તમિલનાડુ બનાવવાની દિશામાં આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સાથે જ મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે અલગ મહિલા સુરક્ષા ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
શપથગ્રહણ બાદ જનતાને સંબોધતા મુખ્યમંત્રી વિજયે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન આપેલા વચનોને પૂર્ણ કરવાની શરૂઆત તેમણે પ્રથમ દિવસથી જ કરી દીધી છે. મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
નોંધનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વિજયે લોકકલ્યાણ અને યુવાનોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને અનેક વચનો આપ્યા હતા. હવે સત્તા સંભાળતાની સાથે જ ઝડપી નિર્ણયો લેતા તેમણે પોતાની કાર્યશૈલીનો સંકેત આપી દીધો છે.