મુંબઈ: વૈશ્વિક તણાવ અને આર્થિક અસ્થિરતા વચ્ચે આજે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો જૂન મહિનાનો કોન્ટ્રેક્ટ ₹1,53,999 પર ખુલ્યા બાદ થોડી જ વારમાં ₹1,54,224 સુધી પહોંચી ગયો હતો. તેવી જ રીતે, ચાંદીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જુલાઈ મહિનાનો ચાંદીનો કોન્ટ્રેક્ટ 1.33% ના વધારા સાથે ₹2,82,006 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારના નિષ્ણાતોના મતે, આ કિંમતી ધાતુઓમાં મજબૂતીનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો જતો વિવાદ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવતા આંતરરાષ્ટ્રીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પરમાણુ કાર્યક્રમ અને અમેરિકન નાકેબંધી જેવા મુદ્દાઓ પર વધતી અશાંતિને કારણે રોકાણકારો શેરબજારને બદલે સોના અને ચાંદીને 'સેફ હેવન' એટલે કે સૌથી સુરક્ષિત રોકાણ માની રહ્યા છે, જેના કારણે માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો કિંમતી ધાતુઓએ રોકાણકારોને અકલ્પનીય વળતર (Return) આપ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,733 ડૉલર અને ચાંદી 86 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા છે. સોનાએ છેલ્લા એક વર્ષમાં 47% રિટર્ન આપ્યું છે, જ્યારે ચાંદીએ તમામ રોકાણોને પાછળ છોડીને છેલ્લા એક વર્ષમાં 166% અને છેલ્લા છ મહિનામાં 63% થી વધુ વળતર આપી રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો વૈશ્વિક સ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં ભાવ હજુ પણ નવા શિખરો સર કરી શકે છે.