Advertisement

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600થી વધુનો જંગી ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600થી વધુનો જંગી ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડાના સંકેતો વચ્ચે રોકાણકારો ફરીથી કિંમતી ધાતુઓ તરફ વળતા સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર એક જ દિવસમાં ચાંદીમાં ₹7,684 સુધીનો મોટો ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનામાં પણ ₹2,429 સુધીનો વધારો જોવા મળ્યો છે.


ચાંદીના બજારમાં આજે રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. અગાઉના સત્રમાં ચાંદીનો બંધ ભાવ ₹2,44,316 હતો, જ્યારે આજે બજાર ખુલતાની સાથે જ ભાવ સીધો ₹2,49,316 સુધી પહોંચી ગયો હતો. સમાચાર લખાયા સુધી ચાંદી ₹2,50,550 પર ટ્રેડ થઈ રહી હતી, જે અગાઉના બંધ ભાવની સરખામણીએ ₹6,234 એટલે કે 2.55 ટકાનો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ ₹2,52,000ની ઊંચી સપાટીએ પણ પહોંચ્યો હતો.


સોનાના ભાવમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. અગાઉ સોનાનો બંધ ભાવ ₹1,49,753 હતો, જ્યારે આજે બજાર ખુલતાં જ સોનું ₹1,52,000ના સ્તરે પહોંચ્યું હતું. હાલમાં સોનાનો ભાવ ₹1,51,818 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે અગાઉના બંધ ભાવ કરતાં ₹2,065નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન સોનાએ ₹1,52,182ની સર્વોચ્ચ સપાટી પણ સ્પર્શી હતી.


બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોના કારણે કિંમતી ધાતુઓમાં આ તેજી જોવા મળી રહી છે. અમેરિકાએ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ સમાપ્ત કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો મળ્યા છે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અટકાવવાનો નિર્ણય લીધો હોવાનું પણ ચર્ચામાં છે, જેના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા ઘટી હોવાનું માનવામાં આવે છે.


ઈરાન સાથે ચાલી રહેલા તણાવમાં યુદ્ધ વિરામ અને સંભવિત સમજૂતીના સંકેતો મળતા રોકાણકારો ફરીથી સોના-ચાંદીમાં રોકાણ કરવા આગળ આવી રહ્યા છે. જેના પરિણામે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે.

Advertisement