નવી દિલ્હી: ભારતીય બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં કરવામાં આવેલા રાતોરાત વધારાને પગલે સ્થાનિક બજારમાં ભાવ આસમાને પહોંચી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹૧૦,૦૦૦ થી વધુનો વધારો થતા તે પ્રતિ ૧૦ ગ્રામ ₹૧,૬૪,૪૯૭ ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ₹૨૨,૨૯૯ નો ઉછાળો નોંધાતા તે ₹૩ લાખના આંકને વટાવી ગઈ છે.
કેન્દ્ર સરકારે સોના-ચાંદી પર ૧૦% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને ૫% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાદવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર સાથે ઈમ્પોર્ટ ડ્યુટી ૬% થી વધીને સીધી ૧૫% થઈ ગઈ છે. સરકારનો મુખ્ય હેતુ વિદેશી હૂંડિયામણના ભંડાર પર દબાણ ઘટાડવાનો અને કિંમતી ધાતુઓની આયાતને નિયંત્રિત કરવાનો છે. નોંધનીય છે કે, ગયા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની સોનાની આયાત ૨૪% વધીને $૭૧.૯૮ બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી હતી, જેને અંકુશમાં લેવા આ પગલું ભરવામાં આવ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ, ઈમ્પોર્ટ ડ્યુટીમાં આ વધારાને કારણે આગામી સમયમાં સોનાની આયાતમાં ૧૦-૧૨% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે, આ સ્થિતિમાં લોકો નવી આયાત કરવાને બદલે જૂના સોનાના વિનિમય અને રિસાયક્લિંગ તરફ વધુ વળશે. બજારના નિષ્ણાત અનુજ ગુપ્તાના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવ ₹૧.૬૮ લાખ થી ₹૧.૭૦ લાખ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીના ભાવ ₹૩ લાખ પ્રતિ કિલોગ્રામના સ્તરે સ્થિર રહી શકે છે.
જ્યારે ભારતીય બજારમાં ભાવ આસમાને છે, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ કંઈક અલગ છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ૦.૪% નો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે થયેલો વધારો સંપૂર્ણપણે સરકારી કરવેરા અને નીતિગત ફેરફારોનું પરિણામ છે. પીએમ મોદીની અપીલ અને સરકારના આ કડક નિર્ણય બાદ હવે રોકાણકારો અને ગ્રાહકોની નજર બજારના આગામી વલણ પર ટકેલી છે.