Advertisement

તમિલનાડુમાં રાજકીય ગરમાવો: ફરી રાજભવનથી ખાલી હાથે પરત ફર્યા થલાપતિ વિજય, સમર્થકોનો ઉગ્ર વિરોધ

તમિલનાડુમાં રાજકીય ગરમાવો: ફરી રાજભવનથી ખાલી હાથે પરત ફર્યા થલાપતિ વિજય, સમર્થકોનો ઉગ્ર વિરોધ

તમિલનાડુના રાજકારણમાં હાલ ભારે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. TVK પાર્ટીના પ્રમુખ થલાપતિ વિજય આજે બીજી વખત રાજભવન પહોંચ્યા હતા, પરંતુ આ વખતે પણ તેમને સરકાર બનાવવા માટે સત્તાવાર આમંત્રણ મળ્યું નથી. જેના કારણે તેઓ નિરાશ થઈ પરત ફર્યા હતા. આ ઘટનાને લઈને તેમના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને રાજ્યપાલ પર જાણબૂઝીને વિલંબ કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


વિજય તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેમની પાસે કોંગ્રેસ સહિત કુલ 112 ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ સરકાર બનાવવા માટે સંપૂર્ણ બહુમતી ધરાવે છે. તેમ છતાં રાજ્યપાલ તરફથી કોઈ નિર્ણય લેવામાં ન આવતા ચેન્નાઈ સ્થિત રાજભવનની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.


પીટીઆઈના અહેવાલ મુજબ રાજ્યપાલે વિજયને આશ્વાસન આપ્યું છે કે, અન્ય કોઈ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં નહીં આવે. જોકે રાજ્યપાલે સ્પષ્ટ જણાવ્યું છે કે, વિજયે તમામ સમર્થક ધારાસભ્યોની સહી સાથેની સત્તાવાર યાદી રજૂ કરવી પડશે. જ્યાં સુધી દરેક ધારાસભ્યના સમર્થનનો પુરાવો લેખિતમાં નહીં મળે ત્યાં સુધી શપથ ગ્રહણની પ્રક્રિયા આગળ વધારવામાં નહીં આવે. હાલમાં સમગ્ર રાજ્યમાં આ મુદ્દે રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે.

Advertisement