Advertisement

ટ્રમ્પ ઇફેક્ટ: શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સમાં 1900 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો!

ટ્રમ્પ ઇફેક્ટ: શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સમાં 1900 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો!

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કડાકા અને નિરાશાના માહોલ વચ્ચે આજનો દિવસ રોકાણકારો માટે ખરા અર્થમાં 'સુપર વેડનસડે' સાબિત થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે યુદ્ધવિરામ અને સેના પાછી ખેંચવાની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં તેજીનું મોટું તોફાન આવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ આજે ભારે મજબૂતી સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.


બજારના આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો, સવારે 10:00 વાગ્યા સુધીમાં બીએસઈ સેન્સેક્સ 1,835.03 પોઈન્ટ (+2.55%) ના પ્રચંડ ઉછાળા સાથે 73,782.58 ના સ્તર પર પહોંચી ગયો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1,970 પોઈન્ટની જબરદસ્ત તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 73,762.43 ના સ્તરે ખૂલ્યો હતો અને અત્યાર સુધીમાં 73,917.75 ની હાઈ સપાટી બનાવી ચૂક્યો છે. બીજી તરફ, નિફ્ટીમાં પણ 568.35 પોઈન્ટ (+2.55%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 22,899.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં જ નિફ્ટીમાં કુલ 606 પોઈન્ટનો વધારો નોંધાયો હતો અને તેણે 22,937.65 નો આજનો હાઈ બનાવ્યો હતો.


બજારમાં અચાનક આવેલી આ બમ્પર તેજી પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સૌથી મોટું કારણ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત છે, જેમાં તેમણે આગામી 2-3 અઠવાડિયામાં ઈરાનમાંથી સેના પાછી ખેંચવાની વાત કરતા વૈશ્વિક બજારમાં ભારે ઉત્સાહનો માહોલ છે. બીજું કારણ, યુદ્ધના અંતના સંકેતો મળતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો છે, જે ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે બહુ મોટા અને પોઝિટિવ ન્યૂઝ છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક દિવસોથી બજાર સતત ઘટતું હોવાથી નીચલા સ્તરેથી રોકાણકારોએ શોર્ટ કવરિંગ (Short Covering) અને નવી મોટી ખરીદી શરૂ કરી દીધી છે. સાથે જ, રશિયા અને એશિયન બજારોમાં જોવા મળેલી શાનદાર રિકવરીની સીધી સકારાત્મક અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી છે.


આજના આ ઐતિહાસિક ઉછાળાને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં ગણતરીની મિનિટોમાં જ કરોડો રૂપિયાનો વધારો થયો છે. ખાસ કરીને બેંકિંગ, આઈટી (IT) અને રિલાયન્સ જેવા હેવીવેઈટ શેરોમાં જોરદાર લેવાલી નીકળી છે. ગત 30 માર્ચના 'બ્લેક મન્ડે' ના મોટા કડાકા બાદ આજની આ શાનદાર તેજીએ રોકાણકારોનો બજાર પ્રત્યેનો વિશ્વાસ ફરીથી જીતી લીધો છે અને રોકાણકારોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

Advertisement