વડોદરાના વરિષ્ઠ નેતા યોગેશભાઈ પટેલના નિધનથી જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ: કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ

વડોદરાના વરિષ્ઠ નેતા યોગેશભાઈ પટેલના નિધનથી જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ: કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશભાઈ પટેલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. બેઠકની શરૂઆતમાં જ શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ સદગતના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ‘યોગેશ કાકા’ તરીકે લોકપ્રિય બનેલા યોગેશભાઈ પટેલ વડોદરાની જનતાના અત્યંત પ્રિય અને અજેય જનનેતા હતા. તેમણે સતત આઠ ટર્મ સુધી રાવપુરા અને ત્યારબાદ માંજલપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરીને જનસેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મતદારોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ દાયકાઓ સુધી અતૂટ રહ્યો હતો.


મંત્રી તરીકેની તેમની કામગીરી પણ નોંધપાત્ર રહી હતી. સાદગીપૂર્ણ જીવનશૈલી, સામાન્ય લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેવાની ભાવના અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેમને લોકહૃદયમાં વિશેષ સ્થાન અપાવ્યું હતું. ભગવાન શિવના પરમ ભક્ત તરીકે તેઓ વડોદરાને ‘શિવનગરી’ તરીકે ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ રીતે જોડાયેલા રહ્યા હતા.


વડોદરા શહેરના વિકાસમાં પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓના વિકાસ માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું હોવાનું કેબિનેટ બેઠકમાં નોંધાયું હતું. રાજ્ય મંત્રીમંડળે તેમના નિધનને ગુજરાતના જાહેર જીવન માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ ગણાવી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.