૮ મેના રોજ વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા થેલેસેમિયા અંગે જનજાગૃતિ અને દર્દીઓ માટેની અદ્યતન સારવાર સેવાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વર્ષે “Hidden No More: Finding the Undiagnosed, Supporting the Unseen” થીમ હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેનો મુખ્ય હેતુ એક પણ દર્દી નિદાન વગર ન રહે અને દરેક જરૂરિયાતમંદને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ “થેલેસેમિયા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે. તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આધુનિક સારવાર, જાગૃતિ અભિયાન અને દર્દી કેન્દ્રિત સેવાઓને બિરદાવતાં જણાવ્યું કે આવી પહેલો સમાજ માટે આશાનું કિરણ સમાન છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. ગુજરાતમાં લ્યુકો-ડિપ્લિટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ચેલેશન થેરાપી જેવી અદ્યતન સેવાઓ શરૂ કરવામાં સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે, જેના કારણે દર્દીઓને વધુ સુરક્ષિત અને અસરકારક સારવાર મળી રહી છે.
પીડિયાટ્રીક વિભાગના વડા ડો. જોલી વૈષ્ણવે જણાવ્યું હતું કે થેલેસેમિયા એક વારસાગત રક્તરોગ છે, જેમાં શરીર પૂરતું હિમોગ્લોબિન બનાવી શકતું નથી. હાલ સિવિલ હોસ્પિટલમાં દર મંગળવાર અને ગુરુવારે આશરે ૮૧ જેટલા બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા આપવામાં આવે છે. દર્દીઓની સુરક્ષા માટે અહીં લ્યુકો-ડિપ્લિટેડ પેક્ડ સેલ વોલ્યુમ આપવામાં આવે છે, જેથી લોહી ચઢાવ્યા પછી થતા તાવ જેવી આડઅસરોને અટકાવી શકાય.
સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીઓ માટે માત્ર બ્લડ ટ્રાન્સફ્યુઝન જ નહીં પરંતુ લાંબા ગાળાની સારવાર અને મોનીટરીંગની પણ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. HPLC ટેસ્ટ દ્વારા ચોક્કસ નિદાન, સીરમ ફેરીટિન ટેસ્ટ, 2D ઇકો કાર્ડિયોગ્રાફી, આંખ અને કાનની તપાસ જેવી સેવાઓ આપવામાં આવે છે. સાથે જ શરીરમાં વધતા આયર્નને નિયંત્રિત કરવા માટે Deferasirox અને Deferiprone જેવી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. કાયમી સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અંગે નિષ્ણાત કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
થેલેસેમિયા નિવારણ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આઇએચબીટી વિભાગના વડા ડો. નિધિ ભટનાગરના જણાવ્યા મુજબ આશરે ૫૦૦૦ આરોગ્ય કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેથી સમાજમાં વધુ વ્યાપક જાગૃતિ ફેલાવી શકાય.
તબીબોએ થેલેસેમિયાથી બચવા માટે લગ્ન પહેલાં યુવક-યુવતીએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો, HPLC ટેસ્ટ દ્વારા કેરિયર સ્ક્રીનિંગ કરાવવું તેમજ ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી તપાસ કરાવવાની સલાહ આપી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ થેલેસેમિયા કોઈ ચેપી રોગ નથી, પરંતુ પેઢી દર પેઢી ઉતરતો રોગ છે અને સમયસર જાગૃતિ તથા ટેસ્ટિંગ દ્વારા આવનારી પેઢીને આ ગંભીર બીમારીથી બચાવી શકાય છે.