Advertisement

આણંદમાં ફુડ સેફ્ટી વિભાગની તાબડતોબ કાર્યવાહી : ૯૩ ખાદ્યચીજોના સેમ્પલ લેવાયા

આણંદમાં ફુડ સેફ્ટી વિભાગની તાબડતોબ કાર્યવાહી : ૯૩ ખાદ્યચીજોના સેમ્પલ લેવાયા

આણંદ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ફુડ સેફ્ટી વિભાગ દ્વારા વિવિધ રેસ્ટોરન્ટ્સ, સ્ટ્રીટ ફૂડ લારીઓ અને ખાણી-પીણીના એકમો ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ઠંડા પીણા, બરફ, શેરડીના રસ અને અન્ય ઉનાળામાં વધુ વપરાતી ખાદ્યચીજોના વેચાણ કરતા એકમો પર વિભાગે કડક નજર રાખી હતી.


આ આકસ્મિક ચેકિંગ દરમિયાન જિલ્લાભરમાંથી કુલ ૯૩ જેટલા શંકાસ્પદ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાં બરફ ગોળા, બરફ અને શેરડીના રસના ૧૭ નમૂના, સ્પાઈસીસ પ્રોડક્ટના ૩૧, ઘીનો ૧, દૂધ અને દૂધની બનાવટોના ૨ તેમજ ખાદ્યતેલના ૩ નમૂનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેંગો મિલ્ક શેક, કોલ્ડડ્રિંક્સ, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, શ્રીખંડ, મઠ્ઠો સહિતના અન્ય ખાદ્યપદાર્થોના નમૂનાઓ પણ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.


ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ‘ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન મારફતે આણંદ શહેર તેમજ જિલ્લાના તાલુકાઓમાં પણ વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ખાસ કરીને પાણીપુરી અને અન્ય સ્ટ્રીટ ફૂડ વેચતા લારીવાળાઓની તપાસ કરી તેમને સ્વચ્છતા અને હાઈજીન જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને એપ્રોન, કેપ અને ગ્લોવ્ઝનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ નિયમિત સાફ-સફાઈ રાખવા સૂચના આપવામાં આવી હતી.


તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવી બિન-આરોગ્યપ્રદ અને કલરયુક્ત ખાદ્યસામગ્રીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦ લીટર કલરવાળી ચાસણી, ૪ કિલોગ્રામ પકોડીનો માવો, ૩ લીટર પાણીપુરીનું કલરયુક્ત પાણી તથા ૫ લીટર શંકાસ્પદ કુકિંગ ઓઈલનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી અંગે આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરે માહિતી આપી હતી.

Advertisement