મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસાનો અને ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા માત્ર 10 દિવસમાં આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો થયો છે, જેના કારણે સામાન્ય જનતામાં ચિંતા વધી રહી છે.
આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹98.64 થી વધીને ₹99.51 પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ ₹91.58 થી વધીને ₹92.49 પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં અંદાજે ₹5 જેટલો વધારો નોંધાયો છે.
આ પહેલા 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં એકસાથે ₹3-₹3 નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ ફરી ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, અને હવે ત્રીજી વખત વધેલા ભાવોએ વાહનચાલકો તેમજ પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. સતત વધી રહેલા ઈંધણના ભાવોના કારણે મોંઘવારીમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ સોશિયલ મીડિયા પર ઈંધણની અછત અને સપ્લાયને લઈને ચાલી રહેલી અફવાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા આપી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. મંત્રાલયે જણાવ્યું છે કે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે અને લોકોને ગભરાઈને વધુ ખરીદી ન કરવાની અપીલ કરવામાં આવી છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, કેટલાક પેટ્રોલ પંપો પર કામચલાઉ ભીડ જોવા મળી રહી છે, પરંતુ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ વિસ્તારોમાં નિયમિત સપ્લાય જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.