આણંદ: આણંદ જિલ્લાના આંકલાવ સ્થિત ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) ના 65 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોએ કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી અંગેની વ્યવહારિક જાણકારી મેળવવાનો હતો.
મુલાકાત દરમિયાન ફાયર સર્વિસીસ દ્વારા આપત્તિ સમયે હાથ ધરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમાં ઇમરજન્સી રેસ્ક્યુ વાહનોમાં રહેલા સાધનોનો ઉપયોગ, આગના વિવિધ પ્રકારો તેમજ તેને બુઝાવવાની પદ્ધતિઓ અંગે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ફાયર ફાઇટિંગનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું.
કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર, સતીશ બામણીયા, મુકેશ પરમાર અને યુવરાજસિંહ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર બ્રિગેડની દૈનિક કામગીરી તેમજ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફાયર અવેરનેસ માટે આવી મુલાકાતો લેવી આવકાર્ય છે. આથી ખાસ કરીને યુવાનોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ વધશે, જે આપત્તિના સમયે અત્યંત ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓએ પણ આ મુલાકાતને માહિતીપ્રદ અને ઉપયોગી ગણાવી હતી.