Advertisement

ગુજરાતમાં ડીઝલ માટે હાહાકાર, 21 દિવસમાં વેચાણ 45 કરોડ લિટર પાર

ગુજરાતમાં ડીઝલ માટે હાહાકાર, 21 દિવસમાં વેચાણ 45 કરોડ લિટર પાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણ કટોકટી જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ભારે વાહનોની લાંબી કતારો લાગી રહી છે, જ્યારે અનેક પંપ પર ‘ડીઝલ નથી’ના પાટિયા પણ જોવા મળી રહ્યા છે. ડીઝલની અછતની આશંકા વચ્ચે લોકો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા મોટા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ભરાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.


આ વચ્ચે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના આંકડા મુજબ મે મહિનાના પ્રથમ 21 દિવસમાં ગુજરાતમાં ડીઝલનું વેચાણ 41 ટકા વધીને 45.27 કરોડ લિટર સુધી પહોંચી ગયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં 32.03 કરોડ લિટર ડીઝલનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષે તેમાં 13.23 કરોડ લિટરનો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે દર વર્ષે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં માત્ર બેથી પાંચ ટકા જેટલો વધારો થતો હોય છે, પરંતુ આ વખતે અછતની ભીતિના કારણે વેચાણમાં અસામાન્ય ઉછાળો જોવા મળ્યો છે.


રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ડીઝલના વેચાણમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. કચ્છ, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ડીઝલનો ઉપાડ 75થી 79 ટકા સુધી વધી ગયો છે. જ્યારે આણંદ, બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ 50થી 65 ટકા સુધી વધુ વેચાણ નોંધાયું છે.


સાથે જ કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પર ટ્રાન્સપોર્ટ અને કમર્શિયલ ઉપયોગ માટે વેચાતા ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે 40 રૂપિયાનો વધારો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઈંધણની અછત અને વધતી માંગ વચ્ચે રાજ્યમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement